નેપાળે કીર્તિપુર ખાતેની ત્રીજી ODIમાં ઝિમ્બાબ્વે ‘A’ ને 6 વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી. પહેલા રમતા ઝિમ્બાબ્વેની ટીમે 213 રન બનાવ્યા હતા જેના જવાબમાં નેપાળની ટીમે 31મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
વરસાદના કારણે મેચ 33 ઓવરની કરવામાં આવી હતી. આ પહેલા બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ હતી જે 1-1 થી બરાબર રહી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ રમતા તદિવનાશે મારુમાનીએ ઝિમ્બાબ્વે ‘A’ પક્ષ માટે 31 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેના સિવાય કુડજાઈ મૌંઝે (34 બોલમાં 39 રન) અને રોય કૈયા (48 બોલમાં 36 રન)એ ટીમને 200 પાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ટોની મુન્યોંગાએ 12 બોલમાં 24 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. નેપાળ માટે લિસ્ટ Aમાં ડેબ્યૂ કરનાર કિશોર મહતોએ 43 રનમાં 5 વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
ટાર્ગેટના જવાબમાં નેપાળ તરફથી કુશલ ભુર્તેલે 61 બોલમાં 84 અને દીપેન્દ્ર સિંહ એરીએ 43 બોલમાં 60 રન બનાવ્યા હતા. આસિફ શેખે 29 અને અંતમાં બિનોદ ભંડારીએ 28 રનની મહત્વની ઇનિંગ રમી અને નેપાળ 17 બોલ બાકી રહેતા જીતી ગયો. ઝિમ્બાબ્વેની ટીમ તરફથી બ્રાન્ડોન મુવુતાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
કુશલ ભુર્તેલે ત્રણ મેચની શ્રેણીમાં સૌથી વધુ 103 રન બનાવ્યા હતા, જ્યારે નેપાળના સોમપાલ કામી અને કરણ કેસી અને ઝિમ્બાબ્વે ‘એ’ બ્રેન્ડન મુવુતાએ સૌથી વધુ 6-6 વિકેટો લીધી હતી. કરણ કેસીને શ્રેણીમાં 6 વિકેટ લેવા ઉપરાંત 25 રન બનાવવા માટે મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.