ભારતના બે ઝડપી બોલર ચેતન સાકરિયા અને મુકેશ ચૌધરી ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આવતા મહિને શરૂ થનારી T20 મેક્સ ટૂર્નામેન્ટની શરૂઆતની સિઝનમાં રમશે. સાકરિયા ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી ટીમ દિલ્હી કેપિટલ્સ માટે રમે છે, જ્યારે મુકેશ ચૌધરી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે.
બંને ખેલાડીઓ એમઆરએફ પેસ ફાઉન્ડેશન અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચેના વિનિમય કાર્યક્રમના ભાગરૂપે બ્રિસ્બેનમાં સમય વિતાવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, MRF પેસ ફાઉન્ડેશન અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાડીઓ અને કોચિંગની આપ-લે લગભગ 20 વર્ષથી ચાલી રહી છે. તે છેલ્લા કેટલાક વર્ષોમાં કોરોના વાયરસના કારણે બંધ થઈ ગયું હતું પરંતુ આ બે ભારતીય ખેલાડીઓ સાથે ફરી શરૂ થઈ રહ્યું છે.
સાકરિયાએ ગયા વર્ષે શ્રીલંકા સામે તેની ODI અને T20I ડેબ્યૂ કર્યું હતું જ્યારે ચૌધરીએ આ વર્ષની IPLમાં 13 મેચમાં 16 વિકેટ લીધી હતી. સાકરિયા ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટુર્નામેન્ટમાં સનશાઈન કોસ્ટ તરફથી રમશે, જ્યારે 26 વર્ષીય ચૌધરી વિનમ-મેનલીનું પ્રતિનિધિત્વ કરશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઉપરાંત, બંને ભારતીય બોલરો ‘બુપા નેશનલ ક્રિકેટ સેન્ટર’ ખાતે તાલીમ લેશે અને ‘ક્વીન્સલેન્ડ બુલ્સ’ની પૂર્વ-સિઝનની તૈયારીઓમાં પણ સામેલ થશે. T20 મેક્સ ટૂર્નામેન્ટ 18 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તેની ફાઇનલ એલન બોર્ડર ફિલ્ડમાં રમાશે.