ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીને આ વર્ષે અનેક શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો. તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પણ આરામ આપવામાં આવ્યો છે.
જો કે, હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ સુધી સતત ભારતીય ટીમ ઇન્ડિયાનો ભાગ રહેશે. આ વાત પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ કહી છે.
પ્રજ્ઞાન ઓઝાએ ‘ધ ઓલ્ટરનેટ’ ચેટ શોમાં જેમી ઓલ્ટર સાથે વાતચીત કરતા કહ્યું, ‘જો આ ક્ષમતા ધરાવતો ખેલાડી એકવાર થોડા રન બનાવશે, તો પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે, મને તેના વિશે ખાતરી છે. પછી મેં સાંભળ્યું છે કે તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પછીની તમામ શ્રેણીનો ભાગ હશે. મને નથી લાગતું કે તે હવે બ્રેક લેશે, જે ઘણી સારી બાબત છે. મને નથી લાગતું કે તેની કુશળતામાં કોઈ સમસ્યા છે. તે શાનદાર બેટિંગ કરી રહ્યો છે પરંતુ કેટલીકવાર તે મહત્વનું છે કે તમે તમારી જાતને માનસિક રીતે કેવી રીતે હેન્ડલ કરો છો.
વિરાટના વારંવાર આરામ કરવા પર ઓઝાએ કહ્યું, ‘જો તમે વિરાટની બેટિંગ જોશો, તો તમને ખબર પડશે કે તેની કુશળતા, ટાઇમિંગ ફિટનેસમાં કોઈ સમસ્યા નથી. માત્ર એટલું જ છે કે તે માનસિક રીતે ક્યાંક છે. કદાચ આ જ કારણ છે કે તે વારંવાર બ્રેક લઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. 2019 પછી તેના બેટમાંથી કોઈ સદી નથી આવી. તાજેતરમાં પૂર્ણ થયેલા ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ તે ટેસ્ટ, ટી20 વનડેમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. જે બાદ તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે.