એલેક્સ હેલ્સને ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. જોકે ખરાબ વર્તનને કારણે તે ટીમ મેનેજમેન્ટના નિશાના પર રહ્યો છે.
ડ્રગ્સના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ કારણે તે 3 વર્ષ પહેલા વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો, પરંતુ આ ખેલાડીએ 42 મહિના બાદ શાનદાર વાપસી કરી છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. 7 મેચની T20 શ્રેણી (PAK vs ENG)ની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. હેલ્સે અડધી સદી ફટકારી હતી. 33 વર્ષીય બેટ્સમેનને T20 વર્લ્ડ કપ 2022 માટે ઇંગ્લિશ ટીમમાં પણ જગ્યા મળી છે.
T20 શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 158 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાને 68 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 19.2 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓપનર બેટ્સમેન હેલ્સે 40 બોલમાં 53 રન બનાવ્યા હતા. 7 ચોગ્ગા માર્યા. સ્ટ્રાઈક રેટ 133 હતો. તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. હેરી બ્રુક 25 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો.
એલેક્સ હેલ્સ 26 એપ્રિલ 2019ના રોજ ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા હતા. જેના કારણે તેના પર 21 દિવસનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 29 એપ્રિલના રોજ, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું કે હેલ્સને ODI વર્લ્ડ કપ માટેની સંભવિત ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ ઘટના સમયે ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ઈયોન મોર્ગને કહ્યું હતું કે તેણે વિશ્વાસ ગુમાવી દીધો છે. બાદમાં ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ પણ જીત્યો હતો. તાજેતરમાં જ મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે હાલની ટી20 વર્લ્ડ કપ ટીમમાં શરૂઆતમાં હેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જોની બેરસ્ટો ઈજાના કારણે પસંદગી પામ્યા બાદ બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ હેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
"Representing England in a country where I've spent a lot of time means a lot to me"@AlexHales1 talks about his comeback to the 🏴 side and his PSL success in Pakistan.#PAKvENG | #UKSePK pic.twitter.com/EUGUc9MCQx
— Pakistan Cricket (@TheRealPCB) September 21, 2022
એલેક્સ હેલ્સનો રેકોર્ડ T20માં શાનદાર રહ્યો છે. તેણે 360 મેચમાં 31ની એવરેજથી 10157 રન બનાવ્યા છે. તેણે 5 સદી અને 64 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ 148 છે. તે ઈંગ્લેન્ડ માટે T20માં 10,000 રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે.
