ICC T20 વર્લ્ડ કપ 2022માં ગ્રુપ વનથી બે સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડે શનિવારે શ્રીલંકા સામે 4 વિકેટથી જીત નોંધાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
સુપર 12માં રમાયેલી કુલ 5 મેચમાં ઈંગ્લેન્ડે 7 પોઈન્ટ મેળવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પણ 7 પોઈન્ટ હતા, પરંતુ નેટ રન રેટમાં ઈંગ્લેન્ડ આગળ હતું, જેના કારણે તેને સેમીફાઈનલની ટિકિટ મળી હતી. આ ચોથી વખત છે જ્યારે ઇંગ્લેન્ડ ICC T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે.
ઇંગ્લેન્ડે વર્ષ 2010માં પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે શ્રીલંકા સામે 7 વિકેટથી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું.
ત્યારબાદ ઈંગ્લેન્ડે ભારતમાં આયોજિત 2016 T20 વર્લ્ડ કપ દરમિયાન સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં તેઓ વિન્ડીઝ સામે 4 વિકેટે હારી ગયા હતા.
UAE ઓમાનમાં 2021 T20 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ ત્રીજી વખત સેમિફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ અહીં તેને ન્યૂઝીલેન્ડ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે 10 નવેમ્બરે રમાનારી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ભારત સાથે થઈ શકે છે. ગ્રુપ 2માં ભારતે તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે. જો ભારત આ મેચ જીતશે તો તે 8 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી જશે.