ICC એ નવીનતમ રેન્કિંગ (ICC T20 પ્લેયર રેન્કિંગ) જાહેર કરી છે. હાર્દિક પંડ્યા T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. અર્શદીપ સિંહે પણ 8 સ્થાનની છલાંગ લગાવી છે. શુભમન ગીલે ટી20 બેટિંગ રેન્કિંગમાં પણ રેકોર્ડ છલાંગ લગાવી છે, તે પહેલા ટોપ 100ની યાદીમાં પણ નહોતો અને હવે તે 30માં નંબર પર પહોંચી ગયો છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાં કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા ICC ઓલરાઉન્ડરની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે. તે હવે બાંગ્લાદેશના સુકાની શાકિબ ઓલ હસનથી માત્ર બે પોઈન્ટ પાછળ છે જે 252 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન છે. હાર્દિક પંડ્યાના હવે 250 રેટિંગ પોઈન્ટ છે.
હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર રેન્કિંગમાં પહેલા ત્રીજા સ્થાનેથી એક સ્થાન ઉપર પહોંચી ગયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડની ત્રીજી T20માં હાર્દિકે તેની 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ પહેલા તેણે મેચમાં 17 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. 250 રેટિંગ પોઈન્ટ હાર્દિક પંડ્યાના સૌથી વધુ પોઈન્ટ છે.
શુભમન ગીલે 168 સ્થાનની છલાંગ લગાવી:
ભારતના ઉભરતા સ્ટાર શુભમન ગીલે તેના શાનદાર પ્રદર્શનથી 168 સ્થાનની છલાંગ લગાવી છે. ગિલ અગાઉ ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં ટોપ 100માં પણ નહોતો. તે માત્ર 6 મેચ રમીને 30માં સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા, આ ઇનિંગમાં તેણે 7 સિક્સ અને 13 ફોર ફટકારી હતી. તેના ડેબ્યુના એક મહિનાની અંદર, તે ICC T20I બેટ્સમેન રેન્કિંગમાં ટોચના 5 ભારતીય ખેલાડીઓમાં સામેલ થઈ ગયો. શુભમન ગિલ 542 રેટિંગ પોઈન્ટ સાથે યાદીમાં પાંચમા ભારતીય છે.
અર્શદીપ સિંહ:
ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે T20 બોલિંગ રેન્કિંગમાં મોટો છલાંગ લગાવ્યો છે. પહેલા અર્શદીપ 21માં નંબર પર હતો, હવે તેણે લેટેસ્ટ રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવી છે. અર્શદીપ 635 રેટિંગ પોઈન્ટ સાથે 13માં નંબર પર આવી ગયો છે.