ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી હતી.
બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી નોંધાઈ હતી. હેડ (32) આઉટ થયા બાદ લાબુશેન પણ ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સ્મિથ અને ખ્વાજાએ ઇનિંગ્સને સંભાળી હતી. જોકે, સ્મિથ ચાના વિરામ બાદ પેવેલિયન પરત ફર્યો હતો અને ફરી એકવાર તે સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહોતો.
સ્ટીવ સ્મિથે બોર્ડર ગાવસ્કર સિરીઝમાં છ ઈનિંગ્સ રમી છે પરંતુ તેના બેટમાંથી એક પણ ફિફ્ટી નીકળી નથી અને તેની કારકિર્દીમાં આ પ્રથમ વખત છે કે સતત 6 ઈનિંગ્સ રમ્યા બાદ પણ તેના બેટથી અડધી સદી થઈ નથી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 37 અને 25 રન બનાવ્યા હતા. દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તે પ્રથમ દાવમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો જ્યારે બીજી ઈનિંગમાં નવ રન બનાવીને આઉટ થયો હતો. ઈન્દોર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તેણે 26 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તેણે બેટિંગ કરી નહોતી. અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી મેચમાં તે પ્રથમ દાવમાં 38 રન બનાવીને આઉટ થયો હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી મેચના પ્રથમ દાવમાં તે રવિન્દ્ર જાડેજાના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. સ્મિથ ચાલુ શ્રેણીમાં બીજી વખત બોલ્ડ થયો હતો. આ પહેલા તે નાગપુર ટેસ્ટના પ્રથમ દાવમાં બોલ્ડ થયો હતો.