ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ શનિવારે ઓસ્ટ્રેલિયા સામે બે મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે પૂજારાએ 9મો રન પૂરો કરતાની સાથે જ બે મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી.
ચેતેશ્વર પુજારા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં 2000 કે તેથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. પૂજારા હવે સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડની ક્લબમાં સામેલ થઈ ગયો છે, જેમણે અગાઉ આ કારનામું કર્યું છે. આ સાથે જ તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2000 કે તેથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.
પુજારાને અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 2000 રન પૂરા કરવા માટે 9 રનની જરૂર હતી. ત્રીજા દિવસની રમતના પ્રથમ સત્રમાં આમ કરીને તે એક વિશિષ્ટ ક્લબનો ભાગ બની ગયો. પૂજારા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે તેની 24મી ટેસ્ટ રમી રહ્યો છે. ભારતીય બેટ્સમેનો હાલમાં ટીમને મજબૂત સ્થિતિમાં લાવવા માટે મેદાનમાં લડી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2000 રન પૂરા કરવા ઉપરાંત પૂજારાએ વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં 1000 રન પણ પૂરા કર્યા હતા. આ મામલામાં પણ તે તેંડુલકર, લક્ષ્મણ અને દ્રવિડ પછી ચોથા ક્રમે છે. પુજારાનો પ્રયાસ ચોથી ટેસ્ટમાં મોટી ઇનિંગ્સ રમીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનો રહેશે.
ભારતીય ટીમ માટે અમદાવાદ ટેસ્ટ જીતવી એકદમ જરૂરી છે જેથી તે સીધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શકે. જો ચોથી ટેસ્ટ ડ્રો થાય છે અથવા ભારત હારી જાય છે તો તેણે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.