ભારતમાં તમામ સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટની ઈનામી રકમમાં જબરદસ્ત વધારો થયો છે. બીસીસીઆઈએ રવિવારે આની જાહેરાત કરી. રણજી ટ્રોફીના વિજેતાને સૌથી વધુ પૈસા મળશે. રણજી વિજેતાઓની ઈનામની રકમમાં બે ગણો વધારો થયો છે.
બીજી તરફ, વિજય હજારે ટ્રોફી વિજેતાને પહેલા લાખોમાં ઈનામની રકમ મળતી હતી, જે હવે કરોડોમાં પહોંચી ગઈ છે.
BCCI સેક્રેટરી જય શાહે રવિવારે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “હું તમામ સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં વધારાની જાહેરાત કરતા ખૂબ જ ખુશ છું. અમે સ્થાનિક ક્રિકેટમાં રોકાણ કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખીશું જે ભારતીય ક્રિકેટની કરોડરજ્જુ છે. રણજી વિજેતાને હવે 5 કરોડ રૂપિયા મળશે, જે પહેલા 2 કરોડ રૂપિયા હતા. વરિષ્ઠ મહિલા વિજેતાઓને 50 લાખ મળશે, જે પહેલા 6 લાખ હતા.
રણજી ટ્રોફીના વિજેતાને 2023-24ની સ્થાનિક સિઝનમાંથી રૂ. 5 કરોડ મળશે જ્યારે ઉપવિજેતાને રૂ. 3 કરોડ (પહેલા રૂ. 1 કરોડ) આપવામાં આવશે. ઈરાની કપ વિજેતા માટે ઈનામની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી છે. વિજય હજારે અને દુલીપ ટ્રોફીના વિજેતાઓની ઈનામી રકમ એક કરોડ થઈ ગઈ છે. આ બંને ટુર્નામેન્ટના રનર્સ અપને 50-50 લાખ રૂપિયા મળશે. ગત સિઝનમાં વિજય હજારે વિજેતાને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દિલીપ ટ્રોફીમાં પહેલા વિજેતાને 40 લાખ મળતા હતા.
I’m pleased to announce an increase in prize money for all @BCCI Domestic Tournaments. We will continue our efforts to invest in Domestic Cricket – which is the backbone of Indian Cricket. Ranji winners to get ₹5 crores (from 2 cr), Sr Women winners ₹50 lacs (from 6 lacs)🇮🇳 pic.twitter.com/Cgpw47z98q
— Jay Shah (@JayShah) April 16, 2023
દેવધર ટ્રોફીના વિજેતાને હવે 40 લાખ રૂપિયા મળશે, જે પહેલા 25 લાખ રૂપિયા હતા. મુશ્તાક અલી ટ્રોફીના વિજેતાને 80 લાખ રૂપિયા મળશે. આ ટૂર્નામેન્ટની વિજેતાને ગત સિઝનમાં 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. સ્થાનિક મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વરિષ્ઠ મહિલા વન-ડે ટ્રોફી વિજેતાને રૂ. 50 લાખ મળશે, જે અગાઉની સીઝનમાં રૂ. 6 લાખથી વધુ છે. રનર્સ અપને 25 લાખ રૂપિયા મળશે. વરિષ્ઠ મહિલા T20 ટ્રોફી વિજેતાને હવે 5 લાખને બદલે 40 લાખ રૂપિયા આપવામાં આવશે. રનર્સ અપને 20 લાખ રૂપિયા મળશે.