ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટિંગ કોચ સંજય બાંગરને આશા છે કે ભારત અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આવતા મહિને યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ પહેલા ફોર્મમાં પાછો ફરશે.
રોહિત આરસીબી સામે માત્ર સાત રન જ બનાવી શક્યો હતો. IPLમાં આ સતત પાંચમો પ્રસંગ હતો જ્યારે તે બે આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. આઈપીએલની વર્તમાન સિઝનમાં તેણે અત્યાર સુધી 11 મેચમાં 17.36ની એવરેજથી માત્ર 191 રન બનાવ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઈનલ 7 જૂનથી લંડનના ઓવલ ખાતે રમાશે. મુંબઈ સામે આરસીબીની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતના ખરાબ ફોર્મ વિશે પૂછવામાં આવતા બાંગરે કહ્યું, “તે (રોહિત) લાંબા સમયથી રમી રહ્યો છે અને તેણે તમામ ફોર્મેટમાં તેમજ ફ્રેન્ચાઇઝી માટે ભારતની કપ્તાની કરી છે.”
“પરંતુ તે આ જાણે છે કારણ કે તે લાંબા સમયથી આવી ભૂમિકા ભજવી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ભારતીય ક્રિકેટ માટે, અમે બધા આશા રાખીએ છીએ કે તે શક્ય તેટલી વહેલી તકે રાબેતા મુજબ રન બનાવવાનું શરૂ કરે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત માટે પહેલાની જેમ રન બનાવવા અને ખરેખર સારો દેખાવ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
બાંગરે કહ્યું કે તે રોહિતના ફોર્મ વિશે વધુ કહી શકે તેમ નથી કારણ કે તેણે તેને IPLમાં માત્ર એક જ મેચ રમતા જોયો છે. તેણે કહ્યું, “આઈપીએલ જેવી અત્યંત સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટમાં ટીમ માટે વ્યૂહરચના બનાવવા માટે કેપ્ટને જે ઊર્જા ખર્ચવી પડે છે, તેની અસર રોહિતના બેટિંગ ફોર્મ પર પણ પડી હશે.”