પાકિસ્તાનના વર્તમાન કેપ્ટન બાબર આઝમ અને પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર વચ્ચેના સંબંધો કંઈ ખાસ નથી. બાબરની કપ્તાની હેઠળ આમિરે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
આમિરે થોડા સમય પહેલા એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે તેના માટે બાબરને બોલિંગ કરવામાં અને કોઈપણ ટેલ-એન્ડરને બોલિંગ કરવામાં કોઈ ફરક નથી. આ નિવેદન ઘણા વિવાદોમાં પણ રહ્યું હતું, જોકે આમિરે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેનો અર્થ એમ કહેવાનો હતો કે જો તે કોઈ વિરોધી બેટ્સમેનને બોલિંગ કરે છે, તો તેનું કામ વિકેટ લેવાનું છે, પછી તે બાબર આઝમ કેમ ન હોય.
પાકિસ્તાન ક્રિકેટ અનુસાર, એક સ્થાનિક ટીવી પર આપેલા ઈન્ટરવ્યુમાં આમિરે કહ્યું, ‘જ્યારે હું પાકિસ્તાન માટે રમતો હતો ત્યારે બાબર મારો જુનિયર હતો અને તેણે હંમેશા મારું સન્માન કર્યું છે.’ આ પછી આમિરે મજાકમાં કહ્યું, ‘બાબર કોઈ મેરી એક્સ ફિયાન્સ થોડે હી હૈ, કે હું તેને પસંદ નહીં કરું.’ આમિરના નિવેદન પરથી લાગે છે કે તેના અને બાબરના સંબંધો ખૂબ જ પ્રોફેશનલ છે.
આમિરે આગળ કહ્યું, ‘સૌથી પહેલા હું તે લોકોને પૂછવા માંગુ છું, જેમણે આ સમગ્ર મામલાને ગેરસમજ કર્યો છે’, તેઓ મને કોઈ એક ઈન્ટરવ્યુ બતાવો જેમાં મેં કહ્યું હોય કે બાબર એક સામાન્ય ખેલાડી છે કે ટેલ બેટ્સમેન છે. મારા ઈન્ટરવ્યુમાં મેં તેને પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કહ્યો હતો. મેં મારા પોતાના મુખેથી જે કહ્યું છે. તેની ટેક્નિક તેને વનડે અને ટેસ્ટમાં બોલિંગ કરવી મુશ્કેલ બનાવે છે.