તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL 2023), લીગની 6મી મેચ 16 જૂનના રોજ Lyca Kovai Kings vs Nellai Royal Kings વચ્ચે રમાઈ હતી. આ મેચમાં નેલ્લાઇ રોયલ કિંગ્સની ટીમે શાનદાર બેટિંગ કરીને 4 વિકેટે મેચ જીતી લીધી હતી. શુક્રવારે રમાયેલી આ મેચમાં નેલ્લાઇ રોયલ કિંગ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લિકા કોવાઈ કિંગ્સ ટીમે 181 રન બનાવ્યા હતા.
182 રનના ટાર્ગેટનો પીછો કરતા નેલ્લાઇ રોયલ કિંગ્સે મેચના છેલ્લા બોલ પર 4 વિકેટે મેચ જીતી લીધી હતી. તે જ સમયે, આ મેચમાં ફરી એકવાર યુવા ભારતીય બેટ્સમેન સાઈ સુદર્શને પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા અને 90 રનની ઈનિંગ રમી. જે બાદ આ યુવા ખેલાડીની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને સાઈ સુદર્શનની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવી રહી છે.
તમિલનાડુ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા યુવા બેટ્સમેન સાઈ સુદર્શન આ દિવસોમાં તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમતા જોવા મળે છે. સાઈ સુદર્શન લીગમાં Lyca Kovai Kings ટીમ તરફથી TNPLમાં રમી રહ્યો છે. નેલ્લાઈ રોયલ કિંગ્સ ટીમ સામે રમાયેલી મેચમાં સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી અને 90 રનની ઈનિંગ રમીને આઉટ થઈ ગયો. સાઈ સુદર્શન શાનદાર બેટિંગ કરતા 52 બોલમાં 90 રન બનાવીને રનઆઉટ થયો હતો. સાઈ સુદર્શને પોતાની અડધી સદીની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.