ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આજથી ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. આ મેચ ઘણી રીતે ઐતિહાસિક બનવા જઈ રહી છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો આ બંને ટીમો વચ્ચે 100મી ટેસ્ટ મેચ હશે.
1948થી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 99 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતે 23માં જીત મેળવી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 30 જીતી છે અને 46 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. આ સિવાય આ મેચ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના કરિયરની 500મી ઈન્ટરનેશનલ મેચ હશે. જેવી ભારતીય ટીમ ટોસના સમયે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરશે કે તરત જ ભારતના નામે એક વર્લ્ડ રેકોર્ડ જોડાઈ જશે. વિરાટ કોહલી આ મેચ રમશે તે નિશ્ચિત જણાય છે. વિરાટ આ મેચ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ તે ભારતનો ચોથો એવો ખેલાડી બની જશે, જે 500 આંતરરાષ્ટ્રીય મેચોના આંકડાને સ્પર્શ કરશે.
આ રીતે ભારત ખાસ મામલામાં શ્રીલંકાથી આગળ નીકળી જશે. હાલમાં કુલ 9 ખેલાડીઓએ 500 આંતરરાષ્ટ્રીય મેચોનો જાદુઈ આંકડો પાર કર્યો છે. જેમાં ભારત અને શ્રીલંકાના ત્રણ-ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી આવું કરનાર ચોથો ભારતીય હશે. વિરાટ પહેલા સચિન તેંડુલકર, એમએસ ધોની અને રાહુલ દ્રવિડ આ ખાસ સ્થાન હાંસલ કરી ચૂક્યા છે. શ્રીલંકાની વાત કરીએ તો મહેલા જયવર્દને, કુમાર સંગાકારા અને સનથ જયસૂર્યાએ પોતાની તરફથી આ કર્યું છે.
વિરાટ તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમશે કે તરત જ તે પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન ઈન્ઝમામ-ઉલ-હકથી આગળ નીકળી જશે.