એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા પાકિસ્તાન અને શ્રીલંકામાં કરવામાં આવી રહ્યું છે. અગાઉ આ ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે પાકિસ્તાનમાં રમવાની હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈન્કાર કર્યા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ શ્રીલંકાને પણ નવા સ્થળ તરીકે ઉમેર્યું હતું અને એશિયા કપની 13માંથી 9 મેચ ત્યાં રમાઈ હતી.
જોકે, એશિયા કપના હોસ્ટિંગ રાઇટ્સ હજુ પણ PCBના હાથમાં છે. પરંતુ એશિયા કપ વચ્ચે પીસીબીએ અચાનક એસીસી પાસે પૈસાની માંગ કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલ પાસે શ્રીલંકામાં રમાઈ રહેલી એશિયા કપ ટુર્નામેન્ટ મેચને કારણે ગેટ મની ગુમાવવા બદલ વળતરની માંગ કરી છે. જો કે પીસીબી તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં રમાઈ રહેલી મેચોમાં વરસાદના કારણે PCBને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર એશિયા કપ PCBના અધ્યક્ષ ઝકા અશરફે ACC ચીફ જય શાહને પત્ર લખીને વળતરની માંગ કરી છે. આ સાથે જ તેણે શ્રીલંકામાં મેચોના શેડ્યૂલ ફિક્સ કરવા પર પણ નિરાશા વ્યક્ત કરી છે.
પીસીબીના વડાએ પૂછ્યું કે એસીસી બોર્ડના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના છેલ્લી ઘડીએ મેચનું સ્થળ બદલવાના નિર્ણય માટે કોણ જવાબદાર છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે 5 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં બંને યજમાન દેશો અને ACC સભ્યોએ નિર્ણય લીધો હતો કે મેચો હમ્બનટોટામાં યોજવામાં આવે, ત્યારબાદ શ્રીલંકાના મુખ્ય ક્યુરેટર પીચ તૈયાર કરવા માટે ત્યાંથી રવાના થઈ ગયા હતા.
પત્ર અનુસાર, ACCએ પીસીબીને એક ઈમેલ પણ મોકલીને આ વાતની પુષ્ટિ કરી હતી. ઝકા અશરફે એમ પણ કહ્યું કે થોડા સમય પછી પીસીબીને આ મેચ પર વિચાર ન કરવાનું કહેવામાં આવ્યું અને બાદમાં જાહેરાત કરવામાં આવી કે મેચો જૂના સમયપત્રક મુજબ યોજાશે.
– ઇનપુટ પીટીઆઈ