શ્રીલંકા અને ટીમ ઈન્ડિયા (SL vs India) વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી, જે ટાઈ રહી હતી. મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરીને 230/8 રન બનાવ્યા હતા. જવાબી ઇનિંગ્સમાં ટીમ ઈન્ડિયા 47.5 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ રીતે બંને ટીમોના સ્કોર સમાન રહ્યા અને મેચ ટાઈ થઈ ગઈ. મોટા ભાગના પ્રશંસકોના મનમાં સવાલ ઉઠતો હશે કે સ્કોર લેવલ થઈ ગયા પછી બંને ટીમો વચ્ચે સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી. તેની પાછળનું મહત્વનું કારણ નીચેના લેખમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે.
ક્રિકેટ મેચમાં, જ્યારે બે ટીમો વચ્ચે રમાયેલી મેચ સ્કોર લેવલ હોવાને કારણે ટાઈ થઈ જાય છે, ત્યારે મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવે છે. જોકે, આ નિયમનો ઉપયોગ માત્ર ODI અને T20 ફોર્મેટમાં જ થાય છે. આ નિયમ હેઠળ, બંને ટીમોને 6-6 બોલ રમવા માટે મળે છે અને દરેક ટીમમાંથી ફક્ત 3-3 બેટ્સમેનોને બેટિંગ કરવાની તક મળે છે. બંને ટીમોએ આ ત્રણ બેટ્સમેનોના નામ અગાઉથી જણાવવા પડશે. સુપર ઓવર ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી ટીમ તેના પ્રતિસ્પર્ધી કરતા વધુ રન ન બનાવે.
વાસ્તવમાં, ICCના નિયમો અનુસાર, દરેક ટાઈ ટી20 મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવું ફરજિયાત છે. પરંતુ ODI ફોર્મેટમાં આ નિયમનો ઉપયોગ માત્ર ICC ટૂર્નામેન્ટમાં થાય છે. ODI ફોર્મેટમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત સુપર ઓવર જોવા મળી છે. આ જ કારણ છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની આ ટાઈ થયેલી ODI મેચમાં ચાહકોને સુપર ઓવર જોવા ન મળી.
