IPL

સ્પોટ ફિક્સિંગ બાદ શ્રીસંત 10 વર્ષ બાદ IPLમાં નવી ભૂમિકામાં જોવા મળશે

IPL 2023 31 માર્ચથી શરૂ થવાનું છે. IPLનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. બ્રોડકાસ્ટર દ્વારા ટુર્નામેન્ટના કોમેન્ટેટર્સની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંતનું નામ પણ સામેલ છે.

આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં પ્રતિબંધિત અને જેલવાસ ભોગવ્યા બાદ શ્રીસંત લગભગ 10 વર્ષ પછી આઈપીએલમાં નવી ભૂમિકામાં પરત ફરી રહ્યો છે. શ્રીસંતે છેલ્લે વર્ષ 2013માં આઈપીએલમાં ખેલાડી તરીકે ભાગ લીધો હતો, ત્યારબાદ તેનું નામ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં સામે આવ્યું હતું અને તેને જેલમાં જવું પડ્યું હતું. સાત વર્ષની લાંબી લડાઈ બાદ તેના પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો અને તે ક્રિકેટમાં પાછો ફર્યો. શ્રીસંત 2007 અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યા પછી, શ્રીસંત પંજાબ કિંગ્સ, કોચી ટસ્કર્સ કેરળ અને રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો. શ્રીસંતે વર્ષ 2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જોકે ટીમ ઈન્ડિયા માટે ફરીથી રમવાની શ્રીસંતની ઈચ્છા અધૂરી રહી હતી. પરંતુ હવે IPLમાં તે પોતાના અવાજનો જાદુ ફેલાવીને આ લીગમાંથી ઘણી કમાણી કરશે.

Exit mobile version