ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરે પંજાબ કિંગ્સના સહાયક કોચ તરીકે રાજીનામું આપી દીધું છે અને તે IPL 2022માં નવી ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.
ઇંગ્લેન્ડમાં એક દાયકાથી વધુ સમય સુધી કોચ તરીકે કામ કરનાર ફ્લાવર 2020ની સિઝન પહેલા પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા હતા. આ પ્રથમ વખત હતો જ્યારે તે IPL ટીમ સાથે જોડાયા હતા.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, “તેમણે તાજેતરમાં જ પોતાનું રાજીનામું ટીમને મોકલ્યું છે. તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તે નવી ટીમ (લખનૌ કે અમદાવાદ)માં જોડાય તેવી પૂરી સંભાવના છે. એવી સંભાવના છે કે આગામી IPLમાં આ 53 વર્ષીય પૂર્વ બેટ્સમેનને વધુ મહત્વની જવાબદારી આપવામાં આવે.
ફ્લાવર છેલ્લા બે વર્ષથી મુખ્ય કોચ અનિલ કુંબલે સાથે કામ કરી રહ્યો હતો. તેણે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે છેલ્લી બે સિઝનથી પંજાબ કિંગ્સના કેપ્ટન રહી ચૂકેલા કેએલ રાહુલ લખનૌ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં ફ્લાવર સેન્ટ લુસિયા કિંગ્સના કોચ તરીકે ચાલુ રહેશે કે કેમ તે જોવું રહ્યું. આ ફ્રેન્ચાઇઝી પણ એ જ જૂથની માલિકીની છે જે પંજાબ કિંગ્સની માલિકી ધરાવે છે.
એન્ડી ફ્લાવર બે વર્ષ સુધી પંજાબ કિંગ્સના આસિસ્ટન્ટ કોચ હતા, પરંતુ આઈપીએલમાં આ ટીમનું પ્રદર્શન બહુ સારું નહોતું. વર્ષ 2020માં, આ ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી, જ્યારે IPL 2021 માં પણ આ ટીમની સફર છઠ્ઠા સ્થાને સમાપ્ત થઈ હતી. તે જ સમયે, તમને જણાવી દઈએ કે, એન્ડી ફ્લાવરના આ નિર્ણય પહેલા, પંજાબની ટીમે આગામી સિઝન માટે રિટેન કરાયેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી, જેમાં મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે.

