રાજસ્થાન રોયલ્સ (RR)ના આક્રમક ઓલરાઉન્ડર ડેરીલ મિશેલે ક્વોલિફાયર 2 પહેલા ટીમ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ મેચ 27 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડેરીલ મિશેલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડની ટીમ તરફથી રમી રહ્યો છે. આ કારણોસર, તેણે IPL 2022ની ક્વોલિફાયર-2 મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે અને તે ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડ ટીમ સાથે જોડાવા માટે ઉત્સુક છે.
મિશેલ 26 મેના રોજ ચેમ્સફોર્ડમાં ફર્સ્ટ-ક્લાસ કાઉન્ટી XI સામે ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ હશે. તેના બે સાથી ખેલાડીઓ ટ્રેન્ટ બોલ્ટ અને જિમી નીશમ રાજસ્થાન સાથે રહેશે. તમને જણાવી દઈએ કે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 2 જૂનથી શરૂ થશે.
રાજસ્થાન રોયલ્સ દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ક્રિકેટના ડિરેક્ટર કુમાર સંગાકારાએ ટીમમાં તેમના યોગદાન માટે મિશેલનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે, મિશેલ આ સિઝનની શરૂઆતથી અમારી સાથે છે. તેણે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે.
અમે તેમના યોગદાનથી ખૂબ જ ખુશ છીએ. આશા છે કે તે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ સારો દેખાવ કરશે. તેની 26મીએ પ્રેક્ટિસ મેચ છે અને અમે ચોક્કસપણે આ મેચ જોઈશું અને તેને સપોર્ટ કરીશું. એકવાર રોયલ, હંમેશા રોયલ.
ડેરીલ મિશેલ આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે માત્ર બે મેચ રમ્યો છે પરંતુ તે સિઝનની શરૂઆતથી જ ટીમ સાથે છે. જ્યાં એક તરફ મિશેલ પોતાની IPL ટીમ છોડવાને લઈને ખરાબ અનુભવી રહ્યો છે તો બીજી તરફ તેનું માનવું છે કે રાજસ્થાન આ સિઝનની ટ્રોફી જીતશે.
ડેરીલ મિશેલે કહ્યું કે, હું દરેકનો આભાર માનું છું. હું ખૂબ જ દુખી છું કે હું આટલા મુશ્કેલ સમયમાં ટીમ છોડી રહ્યો છું પરંતુ હું વીડિયો કોલ દ્વારા ટીમને આઈપીએલ 2022ની ટ્રોફી ઉપાડતી જોઈશ. મને પૂરી આશા છે કે આ સિઝનમાં રાજસ્થાન રોયલ આ કપ જીતશે.
