વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ હવે જાણીતું છે. ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પૂર્વ કેપ્ટન, રન મશીન તરીકે જાણીતા કિંગ કોહલી લગભગ અઢી વર્ષથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત કેટલાક દિગ્ગજ ક્રિકેટરોએ કહ્યું છે કે વિરાટે થોડા સમય માટે ક્રિકેટમાંથી બ્રેક લેવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટની કારકિર્દીની શરૂઆતમાં દિલીપ વેંગસરકરનો મોટો હાથ હતો, જોકે વેંગસરકરનો મત અલગ છે.
તેણે ક્રિકબઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મને લાગે છે કે તેણે રમતા રહેવું જોઈએ. જો તમે રમવાનું ચાલુ રાખશો તો જ તમે તમારું ગુમાવેલું ફોર્મ પાછું મેળવી શકશો, બ્રેકમાંથી તમારું ફોર્મ પાછું નહીં આવે. કારણ કે જ્યારે તમે મેદાન પર સમય પસાર કરો છો, જ્યારે તમે રન બનાવો છો ત્યારે તમે ફોર્મમાં પાછા ફરો છો. જો તમે IPLની છેલ્લી કેટલીક મેચોમાં રન બનાવો છો, તો તમે બ્રેક લઈ શકો છો. હું માનું છું કે બ્રેક લેવાથી મનમાં વધુ પ્રશ્નો ઉભા થશે. આ રીતે તમે ફોર્મ કેવી રીતે પરત કરી શકશો.
વેંગસરકરે કહ્યું, ‘મારી તેમને સલાહ છે કે જ્યારે તમે મેદાનમાં ઉતરશો ત્યારે જ તમારું ફોર્મ પરત આવશે’. મને વિરાટની બેટિંગમાં કંઈ ખોટું દેખાતું નથી. T20 એક એવું ફોર્મેટ છે જ્યાં તમને વિકેટ પર રહેવાની તક નથી મળતી. તમારે શરૂઆતથી જ શોટ રમવાના હોય છે. જો તમે સારા ફોર્મમાં નથી, તો એક બેટ્સમેન તરીકે તમારા માટે વસ્તુઓ મુશ્કેલ થવા લાગે છે.
