IPL

પહેલા કેપ્ટનશીપ છોડી, હવે ચેન્નાઈ: ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા IPLમાંથી થયો બહાર

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં કેપ્ટન તરીકે ઉતરેલા રવિન્દ્ર જાડેજા આ સમગ્ર સિઝનની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયા છે. અનુભવી ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બુધવારે પાંસળીની ઈજાને કારણે ચાલુ આઈપીએલની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો હતો. તેણે થોડા દિવસ પહેલા જ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. બુધવારે ચેન્નાઈની ટીમ દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.

CSKના CEO કાશી વિશ્વનાથને કહ્યું, “રવીન્દ્ર જાડેજા CSKની આગામી બે મેચોમાં નહીં રમે કારણ કે તેને પાંસળીમાં ઈજા છે. તે ઘરે પરત ફર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ દરમિયાન થયેલી ઈજાને કારણે જાડેજા દિલ્હી કેપિટલ્સ સામે પણ ચૂકી ગયો હતો. સીઝનની પ્રથમ આઠ મેચોમાં સીએસકેની કેપ્ટનશીપ કરનાર જાડેજાની સીઝન નિરાશાજનક રહી કારણ કે તે 10 મેચોમાં 20ની સરેરાશથી માત્ર 116 રન જ બનાવી શક્યો હતો. તે 7.51ના ઈકોનોમી રેટથી માત્ર પાંચ વિકેટ લઈ શક્યો હતો.

જાડેજાની અનુપલબ્ધતાનું સત્તાવાર કારણ ઈજાને આભારી હતું, પરંતુ સૂત્રોએ દાવો કર્યો હતો કે ઓલરાઉન્ડરને પડતો મૂકવામાં આવ્યો છે. સૂત્રએ કહ્યું, “એવું લાગે છે કે આની પાછળ કોઈ અન્ય કારણ પણ છે. જાડેજાએ પણ સીએસકેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું બંધ કરી દીધું છે.”

જ્યારે જાડેજાને ઈન્ટરનેટ મીડિયા પર ફ્રેન્ચાઈઝીને અનફોલો કરવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે CSKના સીઈઓએ કહ્યું કે તેઓ તેને વધારે મહત્વ આપતા નથી. વિશ્વનાથને કહ્યું, ‘મને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવી વસ્તુઓ વિશે કોઈ જાણકારી નથી અને હું તમને તેના વિશે વધુ કહી શકીશ નહીં.’

જાડેજાના નેતૃત્વમાં CSKની ટીમ આઠમાંથી માત્ર બે મેચ જીતી શકી હતી અને છ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ફરીથી કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી ત્યારે ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી છે.

Exit mobile version