ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022, 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ શનિવારે સાંજે 7.30 વાગ્યે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (CSK Vs KKR) વચ્ચે રમાશે. મેગા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ચાહકો માટે સારા સમાચાર છે.
આ વખતે IPLની તમામ 70 લીગ મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમમાં અને માત્ર એક પુણેમાં રમાશે. કોરોનાની સ્થિતિને કારણે આ વખતે તમામ મેદાનમાં 25 ટકા દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે. કોરોનાના સમયગાળા દરમિયાન IPLમાં ચાહકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો, જે હવે હટાવી દેવામાં આવ્યો છે.
23 માર્ચ, બુધવારે બપોરે 12 વાગ્યાથી IPL ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. ચાહકો IPLની સત્તાવાર વેબસાઇટ www.iplt20.com પરથી ટિકિટ ખરીદી શકે છે. આ સિવાય IPLની ટિકિટ www.BookMyShow.com પર પણ ઉપલબ્ધ થશે.
બુક માય શોની વેબસાઈટ અનુસાર, 26 માર્ચે યોજાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ માટે ચાર પ્રકારની ટિકિટ ઉપલબ્ધ છે. આમાં 2500, 3000, 3500 અને 4000 રૂપિયાની ટિકિટ છે. જો પ્રથમ મેચ સિવાય અન્ય મેચો અને સ્ટેડિયમની વાત કરીએ તો IPL મેચનું વેચાણ 800 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે અને ટિકિટ 4000 રૂપિયા સુધી ઉપલબ્ધ છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ 25-25 ટકા દર્શકો તમામ મેદાન પર આવી શકશે. મુંબઈના વાનખેડે અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20-20 મેચો રમાશે. આ સિવાય 15 મેચ CCI સ્ટેડિયમમાં, 15 મેચ પુણેના MCA સ્ટેડિયમમાં રમાશે.