IPL 2022માં આજે 17મી એપ્રિલ રવિવારના રોજ ડબલ હેડર રમાશે. દિવસની પ્રથમ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.
પ્રથમ બે મેચ હાર્યા બાદ હૈદરાબાદને આ સિઝનમાં નબળી ટીમ માનવામાં આવી રહી હતી, પરંતુ અનુભવી સુકાની કેન વિલિયમસનની આગેવાની હેઠળની હૈદરાબાદે આગામી ત્રણ મેચ જીતીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી હૈદરાબાદ આવેલો રાહુલ ત્રિપાઠી SRH માટે શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યા બાદ હૈદરાબાદ હવે જીતની બાઉન્ડ્રી ફટકારવા ઈચ્છશે.
હૈદરાબાદ ઉપરાંત પંજાબ પણ આ મેચમાં ત્રણ મેચ જીતવા માટે ચોગ્ગો મારવા માંગશે. પંજાબ અત્યારે પાંચમા નંબરે અને હૈદરાબાદ સાતમા નંબરે છે. હૈદરાબાદ અને પંજાબ આઈપીએલમાં અત્યાર સુધીમાં 17 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં હૈદરાબાદ 12 વખત અને પંજાબે 5 વખત જીત મેળવી છે.
ઓપનર શિખર ધવન પંજાબ માટે ફોર્મમાં પરત ફર્યો છે અને તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 70 રન બનાવ્યા છે. જોકે, કેપ્ટન મયંક અગ્રવાલે ફરી એકવાર ટીમને મજબૂત શરૂઆત આપવી પડશે. મિડલ ઓર્ડરમાં જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન અને ઓડિયન સ્મિથ જેવા બેટ્સમેન છે અને જો ટોપ ઓર્ડર નિષ્ફળ જશે તો તેમાંથી કોઈ એકને જવાબદારીપૂર્વક રમવું પડશે.
તે જ સમયે, હૈદરાબાદના ઝડપી બોલરોએ છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. માર્કો જાન્સેન, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિકે અત્યાર સુધી અસાધારણ પ્રદર્શન કર્યું છે. ઉમરાન મલિકે પોતાની સ્પીડથી બેટ્સમેનોને પરેશાન કર્યા છે. વોશિંગ્ટન સુંદરની ગેરહાજરીમાં, જગદીશ સુચિતે છેલ્લી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તે પોતાનું સ્થાન જાળવી રાખી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
સનરાઈઝર્સ હૈદરાબાદ સંભવિત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, કેન વિલિયમસન, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, શશાંક સિંહ, જગદીશ સુચિત, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન
પંજાબ કિંગ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ, શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ઓડિન સ્મિથ, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ.
