ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું છે કે રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા અને ડ્વેન બ્રાવોમાંથી કોઈ એક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં ચાર વખતના IPL વિજેતા કેપ્ટન એમએસ ધોનીના અનુગામી બની શકે છે.
રૈનાએ ઘણા વર્ષો સુધી CSKનું પ્રતિનિધિત્વ કર્યું અને તે IPLના મહાન ખેલાડીઓમાંથી એક છે. રૈનાએ કહ્યું કે આ ખેલાડીઓમાં ખાસ કરીને જાડેજામાં ટીમનું નેતૃત્વ કરવાની ઘણી ક્ષમતા છે.
IPL 2022 ના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રૈનાએ કહ્યું કે, રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા અને ડ્વેન બ્રાવો ટીમનું નેતૃત્વ કરી શકે છે. તે સક્ષમ છે, રમત સારી રીતે જાણે છે અને એમએસ ધોનીનો ઉત્તરાધિકારી બની શકે છે.
જ્યારે આઈપીએલમાં તેની કોમેન્ટ્રી ડેબ્યૂ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડાબા હાથના આ ખેલાડીએ કહ્યું કે કોમેન્ટ્રી કરવી ખરેખર અઘરું કામ છે. રૈનાએ કહ્યું, ‘હું આ માટે તૈયાર છું. મારા કેટલાક મિત્રો ઈરફાન પઠાણ, હરભજન સિંહ અને પીયૂષ ચાવલા પહેલેથી કોમેન્ટ્રી કરી રહ્યા છે. પછી આ સિઝનમાં અમારી પાસે રવિભાઈ (શાસ્ત્રી) પણ હશે. તેથી મને લાગે છે કે તે મારા માટે સરળ બનશે. હું મારા મિત્રો પાસેથી સૂચનો લઈ શકું છું.
સુરેશ રૈના 2011 ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય રહી ચૂક્યા છે. તેણે CSK સાથે ચાર વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી પણ જીતી છે. રૈના T20માં 6000 અને 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી અને IPLમાં 5,000 રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર હતો.
