ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમના સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા બાદ હવે સ્થળ બદલવામાં આવી રહ્યું છે.
BCCIએ પંજાબ સામેની મેચ પૂણેને બદલે મુંબઈના બ્રાબન સ્ટેડિયમમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. હવે રાજસ્થાન સામેની આગામી મેચ પણ મુંબઈમાં જ શિફ્ટ થઈ ગઈ છે.
દિલ્હીની ટીમના 2 ખેલાડીઓ સહિત કુલ 6 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, BCCIએ ટીમના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મેલ દ્વારા, બીસીસીઆઈએ માહિતી આપી છે કે ટીમના ખેલાડી ટિમ સીફર્ટને ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તમામ ખેલાડીઓનો ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવાર, 22 એપ્રિલના રોજ પુણેમાં રમાનાર મેચને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે.
આ મેચના સ્થળના ફેરફાર અંગે માહિતી આપતાં BCCIએ કહ્યું કે, દિલ્હી કેપિટલ્સની ટીમમાં છઠ્ઠો કોરોના કેસ આવવાને કારણે મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડનો વિકેટકીપર ટિમ સીફર્ટ પણ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે.
નોંધનીય છે કે ટીમના ફિઝિયો પેટ્રિક ફરહત સૌથી પહેલા કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ટીમના તમામ ખેલાડીઓને હોટલમાં અલગ-અલગ રહેવાની સલાહ આપવામાં આવી હતી. આ પછી ટીમે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શના કોરોના સંક્રમિત થવાના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર તમામ ચાહકો સાથે શેર કરવામાં આવ્યા હતા.