રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ગુરુવારે રાત્રે રમાયેલી મેચ બાદ બીસીસીઆઈએ દંડ ફટકાર્યો છે. બટલરને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે.
બટલરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે જેના કારણે આ કાર્યવાહી આગળ વધી નથી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKRએ RR સામે જીત માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાને આ સ્કોર 13.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જોસ બટલર આ મેચમાં ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો.
IPL દ્વારા એક અખબારી યાદી અનુસાર ’11 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની 56મી મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે ફીના 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બટલરે આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કબૂલ્યો છે, એક પ્રેસ રિલીઝ મુજબ. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 મેચ દરમિયાન ક્રિકેટના સાધનો અથવા કપડા, ગ્રાઉન્ડ ઈક્વિપમેન્ટના દુરુપયોગ સાથે સંબંધિત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે બટલર રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે ગુસ્સામાં તેનું બેટ બાઉન્ડ્રી પર માર્યું હતું, જેના કારણે તેને સજા ફટકારવામાં આવી હતી.
મેચ વિશે વાત કરીએ તો, જોસ બટલરને રન આઉટ કરાવનાર યશસ્વી જયસ્વાલે સમગ્ર મેચ દરમિયાન શો ચોર્યો હતો. 150 રનના લક્ષ્યનો પીછો કરતા આ બેટ્સમેને એકલા હાથે 98 રન ફટકાર્યા હતા. પ્રથમ ઓવરમાં 26 રન બનાવ્યા બાદ યશસ્વીએ 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ઝડપી ફિફ્ટી છે.