રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2023ની 50મી મેચમાં 12 રન પૂરા કરીને ઈતિહાસ રચ્યો છે.
તે IPLના ઈતિહાસમાં 7000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સાથે, તે એક જ ટીમ માટે એક જ ટૂર્નામેન્ટમાં T20 ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો.
દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા વિરાટ કોહલીએ 233 IPL મેચોમાં 36.61ની એવરેજથી 6988 રન બનાવ્યા હતા. IPL 2023માં વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં છે. તેણે ચાલુ સિઝનમાં 9 મેચમાં 376 રન બનાવ્યા છે. IPLમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીના નામે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે. તેણે IPL 2016માં 973 રન બનાવ્યા હતા, જે હજુ પણ એક સિદ્ધિ છે. કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 113ના શ્રેષ્ઠ સ્કોર સાથે 5 સદી અને 46 અડધી સદી પણ નોંધાવી છે.
IPL 2021માં, કોહલી T20 લીગમાં 6000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો. IPL 2019 માં, તે IPLમાં 5000 રન બનાવનાર સુરેશ રૈના પછીનો બીજો બેટ્સમેન બન્યો. IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી પછી શિખર ધવનનો નંબર આવે છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 213 મેચમાં 6536 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર 6189 રન સાથે ત્રીજા સ્થાને છે. વોર્નરે માત્ર 172 મેચ રમી છે. રોહિત શર્મા (6063) અને સુરેશ રૈના (5528) અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. રૈનાએ હવે T20 લીગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

