ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરૂ થવામાં હવે માત્ર થોડા જ અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં તમામ ફ્રેન્ચાઈઝી પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. દરમિયાન IPL 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે.
અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી તેની સર્જરીના કારણે આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિક પંડ્યા બાદ શમીની બાદબાકી પણ ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો કે, હવે જીટીને શમીના સ્થાને એક ભયાવહ બોલર મળ્યો છે.
મોહમ્મદ શમી જે શાનદાર ફોર્મમાં છે તેનું સ્થાન લેવું શક્ય નથી. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ પર નજર કરીએ તો ગુજરાત ટાઇટન્સ શમીના ભાઈ મોહમ્મદ કૈફને પોતાના કેમ્પમાં સામેલ કરી શકે છે. મોહમ્મદ કૈફ હાલમાં 27 વર્ષનો છે અને તેના ભાઈની જેમ સ્થાનિક ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરે છે.
કૈફે તાજેતરમાં રણજી ટ્રોફી 2024માં ઉત્તર પ્રદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5.5 ઓવર ફેંકી અને માત્ર 14 રન આપીને 4 વિકેટ લીધી. તેની શાનદાર બોલિંગના કારણે ઉત્તર પ્રદેશની આખી ટીમ માત્ર 60 રનમાં સમેટાઈ ગઈ હતી.
મોહમ્મદ કૈફને ઉચ્ચ સ્તર પર ક્રિકેટ રમવાનો બહુ અનુભવ નથી. તેણે રણજી ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં 22ની એવરેજથી 17 વિકેટ ઝડપી છે. આ સિવાય કૈફે 9 લિસ્ટ-એ મેચમાં 12 વિકેટ લીધી છે. તેણે ડિસેમ્બર 2023માં યોજાયેલી IPL 2024ની હરાજીમાં પણ પોતાનું નામ આપ્યું હતું, પરંતુ 20 લાખ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા મોહમ્મદ કૈફને કોઈ ખરીદનાર મળ્યો ન હતો.