ભારતના યુવા બેટ્સમેન શુભમન ગીલે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. ઘણા દિગ્ગજોએ તેને ભારતીય ટીમનું ભવિષ્ય કહ્યું છે. 2019માં ભારતીય ટીમમાં પદાર્પણ કર્યા બાદથી તે સતત ફોર્મમાં છે.
આ વર્ષે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આઈપીએલની 16મી સીઝનમાં પણ ગિલ સારું પ્રદર્શન કરી રહ્યો છે. IPL 2023ની 62મી મેચમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારીને મોટી સિદ્ધિ મેળવી હતી. ગિલ એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ, ODI, T20 ઈન્ટરનેશનલ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સદી ફટકારનાર ઈતિહાસનો એકમાત્ર ક્રિકેટર બન્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શુભમન ગિલે 58 બોલમાં 101 રનની જોરદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 13 ફોર અને માત્ર એક સિક્સર ફટકારી હતી. શુભમન ગિલે વર્ષની શરૂઆત જોરદાર પ્રદર્શન સાથે કરી હતી. તેણે ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. તે મેચમાં ગિલે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ સામે ટી20માં તેણે તેની ટી20 ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 200ના સ્ટ્રાઈક રેટથી 99 બોલમાં અણનમ 126 રન બનાવ્યા. પોતાની ટેસ્ટમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે 128 રનની ઇનિંગ રમી હતી.
IPL 2023માં તેણે 48ની એવરેજથી 576 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 146.19 હતો. તે ચાલુ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. 13 મેચમાં તેણે 4 અર્ધસદી સાથે સદી ફટકારી છે. ગુજરાત ટાઇટન્સ IPL 2023માં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાતના નવ જીત અને ચાર હાર સાથે 18 પોઈન્ટ છે.