વર્ષ 2022ના અંતમાં ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. ત્યારથી પંત ક્રિકેટના મેદાનથી દૂર છે અને નજીકના ભવિષ્યમાં અન્ય છથી આઠ મહિના દૂર રહી શકે છે.
ભારત આ વર્ષે તેની યજમાનીમાં ICC વર્લ્ડ કપ રમવાનું છે. ત્યાં સુધી પંત માટે પરત આવવું લગભગ અશક્ય લાગે છે, તેથી ભારત સામે પડકાર એ છે કે પંતના સ્થાને કોઈને તૈયાર કરવું. ઈશાન કિશન, સંજુ સેમસન અને કેએલ રાહુલ એવા કેટલાક નામ છે જે ટીમમાં પંતનું સ્થાન લઈ શકે છે, પરંતુ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને સાવ અલગ નામ સૂચવ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જીતેશ શર્માએ પીટરસનને ઘણો પ્રભાવિત કર્યો છે. જીતેશે મુંબઈ ઈન્ડિયન્સ સામે સાત બોલમાં 25 રન બનાવ્યા હતા.
પીટરસને બેટવે માટે પોતાની કોલમમાં લખ્યું, ‘ભારત પાસે પંજાબ કિંગ્સનો વિકેટકીપર જીતેશ શર્માનું સારું કરી રહ્યો છે અને તે રિષભ પંતનું સ્થાન લઈ શકે છે.’
જીતેશે ગત સિઝનમાં પંજાબ કિંગ્સ માટે ફિનિશરની ભૂમિકા ભજવી હતી. જીતેશે ગત સિઝનમાં 12 મેચમાં 163.64ના સ્ટ્રાઈક રેટથી 234 રન બનાવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં જ્યારે સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો ત્યારે તેને શ્રીલંકા સામેની T20I શ્રેણી માટે ભારતીય ટીમમાં બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.