IPL 2022ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંકવાની સિદ્ધિ હાંસલ કરી છે. પહેલા આ કારનામું ઉમરાન મલિકે કર્યું હતું, પરંતુ હવે લોકી તેના કરતા પણ આગળ નીકળી ગયો છે.
રાજસ્થાન સામેની પ્રથમ ઇનિંગની પાંચમી ઓવરમાં તેણે ફેંકેલા છેલ્લા બોલની ઝડપ 157.3 kmph હતી. આ સાથે તેણે મુંબઈમાં દિલ્હી કેપિટલ્સ સામેની ઈનિંગની 20મી ઓવરમાં 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર ઉમરાન મલિકનો રેકોર્ડ તોડ્યો હતો. હવે સનરાઇઝર્સ હૈદરાબાદના આ ફાસ્ટ બોલરનો રેકોર્ડ તૂટી ગયો છે અને લાકી નંબર વન પર આવી ગયો છે. આ સિઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ હવે લોકીના નામે નોંધાઈ ગયો છે.
આઈપીએલ 2022ની ફાઈનલ મેચમાં લોકીનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે 3 ઓવરમાં 22 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. અલબત્ત, લાકીનું પ્રદર્શન પ્રભાવશાળી નહોતું, પરંતુ તેની ટીમની બોલિંગ ઘણી સારી રહી હતી અને ગુજરાતે રાજસ્થાનને 130 રનમાં રોકી દીધું હતું. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી. રાજસ્થાન તરફથી માત્ર જોસ બટલર સૌથી વધુ 39 રન બનાવી શક્યો હતો. ટીમના અન્ય બેટ્સમેનો નિરાશ થયા હતા અને ટીમને ખૂબ જ ઓછા સ્કોર સાથે તેનો માર સહન કરવો પડ્યો હતો.

