બેંગ્લોર સામેની મેચમાં ગુજરાતના વિકેટકીપર બેટ્સમેનને ફરી એકવાર ટેક્નિકલ ખામી અને અમ્પાયરની ભૂલનો ભોગ બનવું પડ્યું હતું. છઠ્ઠી ઓવરમાં મેક્સવેલની બોલ પર મેથ્યુ વેડને એલબીડબ્લ્યુ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે વેડે આ નિર્ણય સામે ડીઆરએસ લીધું ત્યારે અલ્ટ્રા એજ પણ ભૂલને પકડવામાં નિષ્ફળ ગયો હતો.
આઉટ થયા બાદ જ્યારે તે ગુસ્સામાં પેવેલિયન તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલી તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. પરંતુ પેવેલિયનમાં પહોંચતા જ વેડનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે પોતાનું હેલ્મેટ ફેંકી દીધું હતું અને તેના બેટને ઘણી વાર માર્યો હતો, જેનું તેને હવે નુકસાન થયું છે.
વાસ્તવમાં, વસ્તુઓને નુકસાન પહોંચાડવાના મામલામાં તે IPL આચાર સંહિતા હેઠળ દોષી સાબિત થયો હતો. જોકે, હાલ પૂરતું, તેને ઠપકો આપ્યા બાદ જ છોડી દેવામાં આવ્યો છે. વેડે IPL આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ 1 નો ગુનો સ્વીકાર્યો છે. આચાર સંહિતાના લેવલ 1 ના ઉલ્લંઘનના કિસ્સામાં, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે કેપ્ટન હાર્દિક પંડ્યાના શાનદાર 62 રનના કારણે RCB સામે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે RCBએ માત્ર 2 વિકેટ ગુમાવીને 8 બોલમાં જ કરી લીધો હતો. RCB માટે, વિરાટ કોહલી રંગમાં દેખાતો હતો અને તેણે 54 બોલમાં 73 રન બનાવ્યા હતા. ગુજરાત સામે આ સિઝનમાં આ તેની બીજી અડધી સદી છે. કોહલી સિવાય કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 44 અને ગ્લેન મેક્સવેલે 18 બોલમાં 40 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હવે ટીમની તમામ આશાઓ દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ પર ટકેલી છે.
