આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મોઇન અલીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો…
ચેન્નઈ સુપર કિંગ્સે સોમવારે રાત્રે રાજસ્થાન રોયલ્સને 45 રને હરાવીને આઈપીએલ 2021 માં પોતાની બીજી જીત નોંધાવી છે. આ વિજયમાં સીએસકે ઓલરાઉન્ડર મોઇન અલીની અગત્યની ભૂમિકા ભજવી હતી. બેટિંગ દરમિયાન તેણે 20 બોલમાં બે સિક્સરની મદદથી 26 રન ફટકાર્યા હતા અને બોલિંગ પછી તેણે ત્રણ ઓવરમાં 7 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મોઇન અલીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ માટે પહોંચેલા મોઈને તેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ખુલી પ્રશંસા કરી હતી. મોઇન અલીએ મેચ બાદ કહ્યું હતું કે “ધોની તમને તેની કેપ્ટનશીપ હેઠળ સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે કે તમે જે કંઇ કરી શકો અને કરવા માગો છો. જાડેજા સાથે બોલિંગ કરવી એ એક મનોરંજક છે.”
તેણે વધુમાં ઉમેર્યું કે, મને બેટિંગ કરવા ઉપલા ક્રમે મોકલવામાં આવી રહ્યો છે, તેથી હું મારી શૈલી પ્રમાણે ઝડપી બેટિંગ કરી શકું છું. હું બોલિંગની પણ મજા લઇ રહ્યો છું.
તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 188 રન બનાવ્યા હતા. સીએસકે માટે ડુ પ્લેસીસે સૌથી વધુ ઇનિંગ્સ 33 રન બનાવ્યા હતા જ્યારે ચેતન સાકરીયાએ રાજસ્થાન તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
રાજસ્થાનની ટીમમાંથી જોસ બટલરને બાદ કરતાં કોઇ પણ બેટ્સમેન રન બનાવી શક્યો નહીં. બટલરે ઓપનરમાં 49 રનની દમદાર ઇનિંગ્સ રમી હતી. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન જ બનાવી શકી હતી.

