પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ-કીપર બેટ્સમેન બ્રેડ હેડિનને ફ્રેન્ચાઇઝીના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. રિપોર્ટ અનુસાર હેડિન ટીમમાં ફિલ્ડિંગ કોચની ભૂમિકા પણ નિભાવશે.
આ સિવાય પંજાબ કિંગ્સે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ચાર્લ લેંગવેલ્ટને બોલિંગ કોચ તરીકે ફ્રેન્ચાઇઝીમાં સામેલ કર્યા છે. નોંધનીય છે કે પંજાબ કિંગ્સે તાજેતરમાં ટીમના ટોચના સ્થાનોમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે.
ફ્રેન્ચાઇઝીએ ગયા સપ્ટેમ્બરમાં અનિલ કુંબલેના સ્થાને ટ્રેવર બેલિસને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે શિખર ધવનને બુધવારે ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. ક્રિકબઝ અનુસાર, બેલિસે કેપ્ટનશીપ અને કોચિંગ સ્ટાફમાં થયેલા ફેરફારોમાં ભૂમિકા ભજવી છે. ક્રિકબઝે ફ્રેન્ચાઈઝીના સહ-માલિક નેસ વાડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, “બોર્ડ અને મુખ્ય કોચને સમજાયું છે કે હવે દિશા અને નેતૃત્વ બદલવાનો સમય છે. એવું લાગ્યું કે શિખર રાષ્ટ્રીય કપ્તાન (ODI ટીમનો) હોવાથી આગામી સિઝનમાં ટીમનું નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ છે. અમને વિશ્વાસ છે કે તેના અને ટ્રેવરના નેતૃત્વમાં ટીમ અંતિમ ચારમાં જગ્યા બનાવશે.
જોકે વાડિયાએ ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી કેપ્ટન મયંક અગ્રવાલ પર ટિપ્પણી કરી ન હતી. એક અહેવાલમાં વાડિયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અમે ખેલાડીઓને જાળવી રાખવા કે મુક્ત કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. આ માટે હજુ બે અઠવાડિયા બાકી છે (ટીમ 15 નવેમ્બર સુધીમાં ખેલાડીઓને મુક્ત કરી શકે છે).
