IPL

રવિ શાસ્ત્રી: રવિન્દ્ર જાડેજા નહિ આ ખિલાડી બનવો જોઈતો હતો CSKનો કેપ્ટન

IPL 2022માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો પ્રવાસ અત્યાર સુધી ઘણો ખરાબ રહ્યો છે. સીએસકે આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી છે અને ટીમને એક પણ જીત મળી નથી.

આ સિઝનની શરૂઆત પહેલા જ એમએસ ધોનીએ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ કેપ્ટન તરીકે જાડેજા સદંતર નિષ્ફળ સાબિત થયો છે. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ CSKની સતત હારને લઈને મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે ધોની પછી જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવો જોઈતો ન હતો.

જ્યારથી એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી છે ત્યારથી ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ જાડેજાની કેપ્ટનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, ESPN Cricinfo પર વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘મારું માનવું છે કે જાડેજા જેવા ખેલાડીએ માત્ર ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ, તેણે ફાફ ડુ પ્લેસિસને ટીમમાંથી બહાર કરીને મોટી ભૂલ કરી છે. CSKને ડુ પ્લેસિસને કેપ્ટન બનાવવો જોઈતો હતો. જાડેજાએ એક ખેલાડી તરીકે રમવું જોઈતું હતું જેથી આ ખેલાડી ખુલ્લા દિલે મેદાનમાં ઉતરી શકે.

IPL 2022ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસને જાળવી રાખ્યો ન હતો. ફાફ ડુ પ્લેસિસને IPL મેગા ઓક્શન 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. ફાફ ડુ પ્લેસિસ પણ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. IPL 2022 માં, ફાફ ડુ પ્લેસિસે અત્યાર સુધી 4 મેચોમાં RCBની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 3 મેચો પણ જીતી છે.

એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. CSK અત્યાર સુધીમાં 4 વખત 2010, 2011, 2018 અને 2021માં IPL ટાઈટલ જીતી ચુકી છે, આ ચારેય ટાઈટલ ધોનીની કેપ્ટન્સીમાં ટીમે જીત્યા છે. આ ઉપરાંત આ ટીમ 2020 સિવાય દરેક આઈપીએલના પ્લેઓફમાં પહોંચી છે. ગત સિઝનમાં CSKએ KKRને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ સિઝનમાં ટીમની આગામી મેચ 12 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે.

Exit mobile version