IPL

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, IPLમાં ધોનીનો આ અનોખો રેકોર્ડ તોડ્યો

Pic- AP News

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ IPL 2024 ની મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે રવિવારે (5 મે) ના રોજ HPCA સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેના ઓલરાઉન્ડર પ્રદર્શન સાથે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

જાડેજાએ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈનો ટોપ સ્કોરર હતો અને તેણે 26 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. આ પછી તેણે બોલિંગમાં ચાર ઓવરના ક્વોટામાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

જાડેજા IPLમાં ચેન્નાઈ માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ જીતનાર ખેલાડી બની ગયો છે, તેણે ફ્રેન્ચાઈઝી માટે રમતી વખતે 16મી વખત આ એવોર્ડ મેળવ્યો છે. આ યાદીમાં તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો, જેણે અત્યાર સુધી ચેન્નાઈ માટે 15 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

આ સિવાય તે સૌથી વધુ વખત IPL મેચમાં 40 કે તેથી વધુ રન બનાવવા અને ત્રણ કે તેથી વધુ વિકેટ લેવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ત્રીજી વખત આ સિદ્ધિ કરીને તેણે શેન વોટસન અને યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે.

મેચની વાત કરીએ તો આ મેચમાં ચેન્નાઈએ પંજાબને 28 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ચેન્નાઈએ રવિન્દ્ર જાડેજા (43), ઋતુરાજ ગાયકવાડ (32) અને ડેરીલ મિશેલ (30)ની ઈનિંગના આધારે 9 વિકેટના નુકસાને 167 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 9 વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી હતી. યજમાન ટીમ તરફથી પ્રભસિમરન સિંહે 30 રન અને શશાંક સિંહે 27 રન બનાવ્યા હતા.

Exit mobile version