ઈન્ડિયન પ્રીમિયર લીગની 36મી મેચમાં RCBની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સંપૂર્ણ રીતે સરેન્ડર કરી દીધું હતું. બ્રેબોનની પીચ પર, જ્યાં આ સિઝનનો સર્વોચ્ચ સ્કોર 200થી વધુનો છે, RCBએ તે પિચ પર સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
સ્ટાર બેટ્સમેનોથી સજ્જ ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને હૈદરાબાદની સામે માત્ર 68 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં આ છઠ્ઠો સૌથી ઓછો સ્કોર છે.
RCB માટે સૌથી વધુ રન સુયશ પ્રભુદેસાઈના બેટમાંથી આવ્યા હતા, તેણે 15 રનની ઇનિંગ રમી હતી. 69 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે માત્ર 1 વિકેટ ગુમાવીને 8 ઓવરમાં મેચ જીતી લીધી અને માત્ર 2 પોઈન્ટ જ નહીં મેળવ્યા પરંતુ તેની નેટ રન રેટમાં પણ સુધારો કર્યો.
આ પહેલીવાર નથી જ્યારે RCB IPLમાં ઓછા સ્કોર પર આઉટ થયું હોય. આઈપીએલના ઈતિહાસમાં જ્યારે પણ ઓછા સ્કોરોની વાત આવે છે ત્યારે આ ટીમનું નામ સૌથી પહેલા આવે છે. 2017માં કોલકાતા સામેની મેચમાં સ્ટાર બેટ્સમેનથી સજેલી RCBની ટીમ માત્ર 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકાતાએ તે મેચ 82 રને જીતી હતી. RCB માટે તે મેચમાં સૌથી વધુ 9 રન કેદાર જાધવના બેટમાંથી નીકળ્યા હતા.
બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સની ટીમ છે, જે 2009માં RCB સામે 58 રનમાં સમેટાઈ ગઈ હતી. આરસીબીએ તે મેચ 75 રનથી જીતી હતી. આ મેચમાં અનિલ કુંબલેએ 5 વિકેટ લીધી હતી.
દિલ્હીની ટીમ આ યાદીમાં ત્રીજા અને ચોથા નંબર પર છે, જે તે સમયે દિલ્હી ડેરડેવિલ્સ હતી. ટીમ 2017ની સિઝનમાં પંજાબ સામે 66 અને ત્યારબાદ મુંબઈ સામે 67 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 5મા સૌથી ઓછા સ્કોર પર આઉટ થનારી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે, જે વાનખેડે મેદાન પર મુંબઈ સામે 67 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આવું IPLની પ્રથમ સિઝન એટલે કે 2008માં થયું હતું.