ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સ સાથેનો કરાર પૂરો થયા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોચ તરીકે અન્ય ટીમમાં જોડાવા આતુર છે. ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટનોમાંના એક પોન્ટિંગે કહ્યું કે દિલ્હી ફ્રેન્ચાઈઝી કોઈ ભારતીયને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરી શકે છે.
ગયા મહિને, પોન્ટિંગના સાત વર્ષના કાર્યકાળ પછી, દિલ્હી કેપિટલ્સે તેને મુખ્ય કોચના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. તેના કાર્યકાળ દરમિયાન ટીમ એક પણ ખિતાબ જીતી ન શકવાને કારણે તેણે આ ફ્રેન્ચાઈઝીથી અલગ થવું પડ્યું. જો કે, તે ફરીથી કોઈપણ ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે.
પોન્ટિંગે કહ્યું, ‘હું ફરીથી IPLમાં કોચ બનવાનું પસંદ કરીશ. IPLમાં જોડાયા બાદ દર વર્ષે મારી પાસે ખૂબ જ સારો સમય રહ્યો છે, પછી તે એક ખેલાડી તરીકેના મારા શરૂઆતના દિવસો હોય કે પછી મુંબઈના કોચ તરીકેના મારા બે વર્ષ’.
પોન્ટિંગે ICC પોડકાસ્ટમાં કહ્યું, “મેં દિલ્હીની ટીમ સાથે સાત સીઝન વિતાવી છે. આ સમય દરમિયાન, અમે કમનસીબે હું જે રીતે ઇચ્છતો હતો તે રીતે કરી શક્યા નથી અને ચોક્કસપણે ફ્રેન્ચાઇઝી ઇચ્છતી હતી તે રીતે નથી.”
પોન્ટિંગે કહ્યું કે દિલ્હી કેપિટલ્સ એવા ખેલાડીની શોધ કરી રહી છે જે સિઝન પછી પણ ફ્રેન્ચાઇઝીને વધુ સમય આપી શકે. તેણે કહ્યું, ‘આ ફ્રેન્ચાઈઝી એક ભારતીયને મુખ્ય કોચ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ એવા કોચની શોધમાં છે જે તેમને સિઝન પછી પણ સમય આપી શકે’.

