રાજસ્થાન રોયલ્સના 22 વર્ષીય યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગે ગુરુવારે (28 માર્ચ) દિલ્હી કેપિટલ્સ સામે 45 બોલમાં અણનમ 84 રનની તોફાની ઇનિંગ રમી હતી.
રિયાને મુશ્કેલ સમયમાં આરઆરની ઇનિંગ્સને સંભાળી અને પછી 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 84 રન બનાવીને 20 ઓવરમાં ટીમના સ્કોરને 185 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. રિયાનની આ સ્ટાઈલ જોઈને ભારતીય ટીમનો પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ઘણો પ્રભાવિત થયો છે અને તેણે એક મોટી ભવિષ્યવાણી પણ કરી છે.
ઈરફાન પઠાણે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી એક ટ્વિટમાં કહ્યું છે કે રિયાન પરાગ ટૂંક સમયમાં ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે. તેણે ભવિષ્યવાણી કરી કે, ‘પરાગ આગામી બે વર્ષમાં ભારત માટે રમશે.’
તેણે ટ્વિટ કરીને લખ્યું કે રિયાન પરાગનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને રિયાન પરાગની આ સિઝન સફળ રહેશે. ઈરફાન પઠાણે પણ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના વખાણ કર્યા હતા. તેણે લખ્યું, ‘ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટને ક્યારેય હળવાશથી ન લો. આ તમારા પોતાના સારા માટે છે. રિયાન પરાગને જુઓ તે આઈપીએલમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે કારણ કે તેણે ત્યાં ઘણા રન બનાવ્યા છે.
In the next two years Riyan Parag is playing for India…
— Irfan Pathan (@IrfanPathan) March 28, 2024
