IPL 2023ની 57મી મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી માટે તેની 200મી છગ્ગા ફટકારી હતી.
રોહિતે મોહિત શર્માની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા બાદ છેલ્લા બોલે સિક્સર ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. રોહિતે ગુજરાત સામેની મેચમાં ધમાકેદાર 29 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે બે સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. આ સાથે તે IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર બીજો ખેલાડી બની ગયો છે.
રોહિત શર્માએ 2011માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. અગાઉ તે ત્રણ સીઝન માટે ડેક્કન ચાર્જર્સ તરફથી રમ્યો હતો. IPLમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિતે 252 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ક્રિસ ગેલ 357 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે.
IPL 2023માં રોહિત શર્માનું ફોર્મ સારું રહ્યું નથી. છેલ્લી પાંચ ઇનિંગ્સમાં તે ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નહોતો. બે વખત તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે, રોહિતે શુક્રવારે ગુજરાત ટાઇટન્સ સામે 18 બોલમાં 29 રનની જોરદાર ઇનિંગ રમીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા છે. રોહિતે કિશન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 61 રન જોડ્યા હતા.

