ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં પોતાના ફોર્મને લઈને ચર્ચામાં છે. ભારતીય ટીમ 7મી જૂનથી લંડનના ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ રમવાની છે.
તે પહેલા ભારતીય ટીમનું મેનેજમેન્ટ ખેલાડીઓના વર્કલોડને મેનેજ કરવા માંગે છે. તાજેતરમાં અનુભવી સુનીલ ગાવસ્કરે પણ રોહિતને બ્રેક લેવાની સલાહ આપી હતી. આ વર્ષે એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટો પણ રમાવાની છે. તે સંદર્ભમાં, રાષ્ટ્રીય ફરજ માટે ભારતીય કેપ્ટનની હાજરી આઇપીએલ કરતાં વધુ મહત્વપૂર્ણ રહેશે. આ અંગે હવે તેની IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના કોચે મોટું નિવેદન આપ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ માર્ક બાઉચરે શનિવારે આ મુદ્દે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્તમાન લીગમાંથી બ્રેક લેવાનું કહ્યું નથી, પરંતુ જો તે કહેશે તો તેના પર વિચાર કરવામાં આવશે. રોહિત છેલ્લા ઘણા સમયથી સાતત્યપૂર્ણ ક્રિકેટ રમી રહ્યો છે અને ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તાજેતરમાં સૂચવ્યું હતું કે ભારતીય સુકાની રોહિતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પોતાને ફ્રેશ રાખવા માટે આઈપીએલમાંથી બ્રેક લેવો જોઈએ.
રવિવારે મુંબઈ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ પહેલા બાઉચરે કહ્યું કે ના, મને નથી લાગતું કે તેણે બ્રેક લેવો જોઈએ. આ અંગે નિર્ણય કરવાનું મારું કામ નથી. દેખીતી રીતે અમે ઈચ્છીએ છીએ કે રોહિત રમવાનું ચાલુ રાખે કારણ કે તે ખૂબ જ સારો ખેલાડી અને કેપ્ટન છે.
