‘હિટમેન’ તરીકે જાણીતા રોહિત શર્માનો આખરે IPL ફિફ્ટીનો દુષ્કાળ ખતમ થઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિતે મંગળવારે દિલ્હી કેપિટલ્સ (DC) સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. મુંબઈએ રોમાંચક મેચમાં દિલ્હીને 6 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીએ 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને મુંબઈએ છેલ્લા બોલે હાંસલ કરી લીધો હતો.
તેણે IPLમાં 25 ઈનિંગ્સ બાદ ફિફ્ટી ફટકારી છે. તેણે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 45 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. આ તેની આઈપીએલ કારકિર્દીની 41મી ફિફ્ટી છે. તે ગત સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો.
રોહિતે અડધી સદી ફટકારતાની સાથે જ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી લીધી છે અને તે દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન અને વિરાટ કોહલીની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. સૌથી વધુ IPL સિઝનમાં ઓછામાં ઓછી એક ફિફ્ટી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં રોહિત સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. જણાવી દઈએ કે રોહિત, ધવન અને કોહલીએ 15-15 વખત આવું શાનદાર પ્રદર્શન કર્યું છે. આ યાદીમાં તેના પછી ડેવિડ વોર્નર (14), સુરેશ રૈના (13) અને એમએસ ધોની (13) છે.
આ સિવાય રોહિતે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે IPLમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડીઓની યાદીમાં સંયુક્ત રીતે ટોચ પર છે.