IPL 2022માં રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી હતી. લીગ તબક્કામાં બંને ટીમો બે વખત સામસામે આવી ચુકી છે. આરસીબીએ પ્રથમ મેચ જીતી હતી અને બીજી લીગ મેચ રાજસ્થાને જીતી હતી.
બીજી મેચ દરમિયાન રાજસ્થાનના યુવા બેટ્સમેન અને આરસીબીના અગ્રણી બોલર હર્ષલ પટેલ વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે મેચ બાદ હર્ષલ પટેલે પરાગ સાથે હાથ મિલાવવાનું પણ યોગ્ય ન માન્યું.
હવે રિયાન પરાગે આ ઘટના અંગે પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે હર્ષલ પટેલે તેની સાથે હાથ કેમ ન મિલાવ્યો. તેણે કહ્યું કે ગયા વર્ષે જ્યારે અમે આરસીબી સામે રમતા હતા ત્યારે હર્ષલ પટેલે મને આઉટ કર્યો હતો. જ્યારે હું પાછો જઈ રહ્યો હતો, ત્યારે તેણે મારા તરફ ઈશારો કર્યો અને મને ત્યાંથી જવાનું કહ્યું. જ્યારે હું હોટેલમાં પાછો ગયો અને રિપ્લે જોયો ત્યારે મને આ વસ્તુ દેખાઈ નહીં. ત્યારથી તે મારા મગજમાં અટવાઈ ગયું.
હવે, જ્યારે મેં તેને (હર્ષલ)ને છેલ્લી ઓવરમાં (આઈપીએલ 2022માં આરસીબી સામે) ફટકાર્યો હતો, ત્યારે મેં તે જ ઈશારો કર્યો હતો. મેં કશું કહ્યું નથી, મેં દુર્વ્યવહાર કર્યો નથી. પણ પછી સિરાજે મને કહ્યું કે હર્ષલે પણ કશું કહ્યું નથી.
જ્યારે દાવ પૂરો થયો ત્યારે સિરાજે મને કહ્યું, ‘અરે, અહીં આવ’, તેણે કહ્યું, ‘તું બાળક છે, બાળક જેવું વર્તન કર’. મેં તેને કહ્યું, ‘ભાઈ, હું તને કંઈ કહેતો નથી’. ત્યાં સુધીમાં બંને ટીમના ખેલાડીઓ આવી ગયા અને મામલો ત્યાં જ ખતમ થઈ ગયો. બાદમાં હર્ષલે મારી સાથે હાથ મિલાવ્યા ન હતા જે મને થોડો અપરિપક્વ લાગતો હતો.
તે મેચમાં પરાગે 31 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યા હતા. જો કે આઈપીએલમાં રિયાગ પરાગના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેને વધુ બેટિંગ કરવાની તક મળી ન હતી. તેણે 14 ઇનિંગ્સમાં 1 અડધી સદી સાથે 183 રન બનાવ્યા અને 17 કેચ લીધા.

