ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં મોટી સિદ્ધિ મેળવી છે. IPL 2023ની 13મી મેચમાં શુભમન ગિલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 2000 રન પૂરા કર્યા. અમદાવાદમાં રમાઈ રહેલી મેચ દરમિયાન શુભમન ગિલે ગુજરાત ટાઈટન્સને મજબૂત શરૂઆત અપાવી હતી અને આ દરમિયાન તેણે આ સ્થાન પણ હાંસલ કર્યું હતું. શુભમન ગિલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 2000થી વધુ રન બનાવનાર 48મો બેટ્સમેન બની ગયો છે.
IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. તેણે 6727 રન બનાવ્યા છે. IPL 2022માં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શુભમન ગિલે 77 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા. ગિલે સાઈ સુદર્શન સાથે 50 રનની ભાગીદારી પણ કરી હતી. IPL 2023ની પ્રથમ મેચમાં શુભમન ગિલે 37 બોલમાં 63 રનની દમદાર ઇનિંગ રમી હતી. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તે લય જાળવી શક્યો નહોતો.
શુભમન ગિલે IPL 2022માં ગુજરાત ટાઇટન્સ માટે 16 ઇનિંગ્સમાં 483 રન બનાવ્યા હતા. ગુજરાત જતા પહેલા કોલકાતામાં રમતી વખતે ઓપનર તરીકેના તેના સ્ટ્રાઈક રેટ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ ગીલે ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરીને બધાને ચૂપ કરી દીધા હતા.
