ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે તેઓ નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડને લઈને ઘણો વિશ્વાસ ધરાવે છે. તે બહુ દેખાડો કરતો નથી. રુતુરાજ તેના સાથી ખેલાડીઓ સાથે ખૂબ જ સારું વલણ ધરાવે છે. બધા ખેલાડીઓ રુતુરાજનું સન્માન કરે છે.
ઋતુરાજને કેપ્ટનશિપ મળવા પર ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે ઋતુરાજને કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય સંપૂર્ણપણે ધોનીનો હતો. ગયા વર્ષની સારી સિઝનના આધારે તેણે ભવિષ્ય વિશે ઘણું વિચારીને આ નિર્ણય લીધો હશે. ધોની નિર્ણય લેવામાં સારો છે અને તે વસ્તુઓને સારી રીતે સમજે છે, તેને લાગ્યું કે આ યોગ્ય સમય છે. ફ્લેમિંગે એમ પણ કહ્યું કે ધોની અથવા અન્ય સિનિયર ખેલાડીઓ રૂતુરાજને માર્ગદર્શન આપી શકે છે જેથી તેમના પર કોઈ દબાણ ન હોય.
રૂતુરાજ 2019થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેણે IPLમાં 52 મેચ રમી છે. રુતુરાજ IPLમાં CSKનો કેપ્ટન બનનાર ત્રીજો ખેલાડી છે. રુતુરાજે અગાઉ ગયા વર્ષે હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતીય T20 ટીમની કેપ્ટનશિપ કરી હતી, જ્યાં યુવા ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.