IPL

KKRના આ બોલરે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 14મી મેચમાં મુંબઈની ટીમને કોલકાતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે 4 વિકેટે 161 રન બનાવ્યા હતા.

જવાબમાં કોલકાતાએ આખરે પેટ કમિન્સની તોફાની અડધી સદીની ઇનિંગના આધારે માત્ર 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

મુંબઈની ટીમને આ સિઝનમાં ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ શરૂઆત બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદીની ઇનિંગના આધારે 4 વિકેટે 161 રન બનાવ્યા હતા. છેલ્લા ક્રમે આવતા, કિરોન પેલાર્ડે માત્ર 5 બોલમાં 22 રનની જ્વલંત ઇનિંગ રમીને સ્કોરને 160ની પાર પહોંચાડ્યો હતો. પરંતુ ટીમની આ ઇનિંગને કોલકાતાના એક ખેલાડીએ ધૂંધળી કરી દીધી હતી.

કોલકાતાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે એક એવી ઈનિંગ રમી જેણે આઈપીએલ ઈતિહાસના બેટિંગ રેકોર્ડમાં પોતાનું નામ બનાવ્યું. આ ખેલાડીએ મુંબઈ સામે માત્ર 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ઈનિંગ દરમિયાન પેટે 4 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ સાથે તેણે આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે કેએલ રાહુલની બરાબરી કરી લીધી.

પંજાબ તરફથી રમતા કેએલ રાહુલે વર્ષ 2018માં દિલ્હી સામે માત્ર 14 બોલમાં પચાસ રન પૂરા કર્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ઝડપી ફિફ્ટી હતી. કમિન્સે 2022માં આ જ કારનામું કર્યું હતું અને 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. કોલકાતા તરફથી રમતા યુસુફ પઠાણે 2014માં હૈદરાબાદ સામે 15 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. કોલકાતાના સુનીલ નારાયણના નામે પણ 15 બોલમાં ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ છે.

Exit mobile version