IPL 2022માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા જમણા હાથના બેટ્સમેન ભાનુકા રાજપક્ષે શ્રીલંકાની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટમાં 56 બોલમાં સદી ફટકારી છે.
ભાનુકાએ ઈન્ટર ક્લબ મેચમાં બર્ગર એન્ટરટેઈનમેન્ટ ક્લબ તરફથી રમતા આ સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે આ ઈનિંગ પહેલા તે સીધો IPL રમીને શ્રીલંકા પરત ફરી રહ્યો હતો. તે સોમવારે સવારે પોતાના દેશ પહોંચ્યો અને તરત જ સીધી મેચ રમવા એરપોર્ટ પહોંચી ગયો.
ભાનુકા રાજપક્ષેએ પનાદુરા સ્પોર્ટ્સ ક્લબ સામે 56 બોલમાં 100 રન બનાવ્યા હતા. 5માં નંબર પર રમતા આ વિસ્ફોટક બેટ્સમેને પોતાની ઇનિંગમાં 9 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 178.57 હતો. ઝડપી ક્રિકેટમાં રાજપક્ષેની આ પ્રથમ સદી છે. તમને જણાવી દઈએ કે તે ઈન્ટર ક્લબ ટૂર્નામેન્ટમાં બર્ગર એન્ટરટેઈનમેન્ટ ક્લબની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
તેની સદીની મદદથી બર્ગર એન્ટરટેઈનમેન્ટ ક્લબે 20 ઓવરમાં 175/5 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરતા પનાદુરા ક્લબની ટીમ 134/5નો સ્કોર જ બનાવી શકી અને 41 રનથી મેચ હારી ગઈ.
પંજાબ તરફથી રમતા ટૂર્નામેન્ટની 9 મેચોમાં તેણે 160ના સ્ટ્રાઈક રેટ અને 23ની એવરેજથી કુલ 206 રન બનાવ્યા. 9 ઇનિંગ્સમાં તેણે 4 વખત 30+ રન બનાવ્યા. શ્રીલંકાના બેટ્સમેન માટે આ પ્રથમ IPL સિઝન હતી. મેગા ઓક્શનમાં તેને પંજાબે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, પંજાબ કિંગ્સ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ટીમ 14 મેચ રમી અને 7 જીતવામાં સફળ રહી. ટીમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.