
આઇપીએલ 2021માં કિંગ્સ ઇલેવન પંજાબ પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું, જોકે ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટીમ માટે જબરદસ્ત પ્રદર્શન કરતા 13 મેચમાં 626 રન બનાવ્યા હતા. હવે કેએલ રાહુલ પંજાબની ટીમથી પોતાને અલગ કરવા માટે તૈયાર છે. તે વર્ષ 2018માં પંજાબ ટીમ સાથે સંકળાયેલો હતો અને ત્યારથી તે દરેક સિઝનમાં સતત આ ટીમ માટે બેટિંગ કરી રહ્યો છે. તેણે છેલ્લા ચાર વર્ષમાં આ ટીમ માટે સતત 500થી વધુ રન બનાવ્યા છે. જોકે કેપ્ટન તરીકે ટીમને ખિતાબ અપાવવામાં તે સફળ રહ્યો ન હતો.
ક્રિકબઝના એક અહેવાલ મુજબ, કેએલ રાહુલ આવતા વર્ષે પંજાબ કિંગ્સ તરફથી નહીં રમે અને મેગા હરાજીમાં હાજર રહે તેવી શક્યતા છે. એવું પણ જાણવા મળ્યું છે કે ઘણી ફ્રેન્ચાઇઝીઓએ આ ખેલાડીનો સંપર્ક કર્યો છે અને તેઓએ રાહુલને તેની સાથે જોડાવવા માટે રસ દાખવ્યો છે. જો રાહુલ પંજાબ કિંગ્સથી અલગ થઈ જાય, તો 29 વર્ષીય કેએલ રાહુલ આગામી આઈપીએલ હરાજીમાં મોટો બિડર બની શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી રીટેન્શન પોલિસી જાહેર કરી નથી, તેથી ફ્રેન્ચાઇઝીઓ ઉપલબ્ધ રીટેન્શન અને રાઇટ ટુ મેચ (RTM) કાર્ડ્સની સંખ્યા વિશે ચોક્કસ નથી.
હાલમાં, કેએલ રાહુલ યુએઈમાં છે અને આઈપીએલ 2021 પછી ટી-20 વર્લ્ડ કપ 2021માં ભાગ લેશે. તે જ સમયે, જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, આઈપીએલ 2022 માટે મેગા હરાજી ટી-20 વર્લ્ડ કપ 2021 દરમિયાન જ કરવામાં આવશે.
