ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં આવું માત્ર ત્રણ વખત બન્યું છે, જ્યારે કોઈ બોલરે એક જ મેચમાં ચાર બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હોય. IPL 2022માં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ પહેલા, જે 27 એપ્રિલે રમાઇ હતી, 2012ની IPLમાં આવું બન્યું હતું.
ઉમરાન મલિકે ગુજરાત ટાઇટન્સ સામે પાંચ વિકેટ ઝડપી હતી જેમાંથી તેણે ચાર બેટ્સમેનોને ક્લીન કર્યા હતા. આમ ઉમરાન લસિથ મલિંગા અને સિદ્ધાર્થ ત્રિવેદીની ચુનંદા ક્લબમાં જોડાઈ ગયો છે.
IPLમાં પ્રથમ વખત, લસિથ મલિંગાએ 2011માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે દિલ્હી કેપિટલ્સ (તત્કાલીન દિલ્હી ડેરડેવિલ્સ) સામે આ કારનામું કર્યું હતું. આ પછી બીજા જ વર્ષે રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ ત્રિવેદીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાર બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા. ઉમરાને ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર અને અભિનવ મનોહરને ક્લીન બોલ્ડ કર્યા હતા.
આ સિવાય ઉમરાને કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ આઉટ કર્યો હતો, પરંતુ તે ક્લીન બોલ્ડ થયો નહોતો. ઉમરાને ચાર ઓવરમાં 25 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. IPL 2022માં આ પ્રથમ વખત છે જ્યારે હારનાર ટીમના ખેલાડીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હોય. આ મેચમાં ઉમરાનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.