રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ IPL 2022ની 60મી મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે IPLમાં 6500 રન પુરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
IPLમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ ટોપ પર છે. જમણા હાથના બેટ્સમેન વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં પંજાબ કિંગ્સના બોલર હરપ્રીત બ્રારની ઓવરના પહેલા બોલ પર રન લેતાની સાથે જ 6500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો.
વિરાટ કોહલીએ અત્યાર સુધી 220 મેચની 212 ઇનિંગ્સમાં 36.22ની એવરેજથી 6519 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 43 અડધી સદી સામેલ છે. આ દરમિયાન વિરાટે 568 ફોર અને 215 સિક્સર ફટકારી છે. તમને જણાવી દઈએ કે, IPLમાં વિરાટ કોહલી પહેલા 6000 રન બનાવનાર હતો અને હવે તે 6500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ છે. તેના પછી શિખર ધવને આ લીગમાં 6000 રન પૂરા કર્યા છે.
IPLની 15મી સિઝન વિરાટ કોહલી માટે ખૂબ જ ખરાબ રહી છે. ચાલુ સિઝનમાં તેણે 13 મેચમાં 19.67ની એવરેજથી 236 રન બનાવ્યા છે. આઈપીએલમાં વિરાટની આ અત્યાર સુધીની સૌથી ખરાબ સિઝન રહી છે. IPL 2022માં તે માત્ર એક જ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં તે 14 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો.