રાજસ્થાન રોયલ્સને બુધવારે IPL 2023માં તેની બીજી મેચમાં પંજાબ કિંગ્સ સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ કુમાર સંગાકારા અને કેપ્ટન સંજુ સેમસનની આકરી ટીકા કરી છે.
198 રનના ટાર્ગેટનો પીછો કરતા વીરુ શિમરોન હેટમાયર જેવા બેટ્સમેનને નંબર-7 પર મોકલવાના નિર્ણયથી બિલકુલ ખુશ નહોતો. હેટમાયરને બેટિંગ ક્રમમાં નીચે મોકલવાનું રાજસ્થાન રોયલ્સને મોંઘું પડ્યું અને ટીમને પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો. આટલું જ નહીં, સેહવાગ પણ રિયાન પરાગ પર ખૂબ ગુસ્સે હતો.
સેહવાગે ક્રિકબઝ પર કહ્યું, ‘હેટમાયરને રમવા માટે ઘણા બોલ નથી મળ્યા, 200નો સ્ટ્રાઈક રેટ રાખવાનો શું ફાયદો? જો તે નં. 4 અથવા 5 પર આવ્યો હોત, તો દેવદત્ત પડિકલથી પણ ઉપર, તે પણ ડાબોડી બેટ્સમેન છે, તેને રમવા માટે વધુ બોલ મળી શક્યા હોત. તે વેસ્ટ ઈન્ડિઝ માટે નંબર-4 પર બેટિંગ કરે છે. તેણે ભારતમાં સદી ફટકારી છે, તે અહીંની પરિસ્થિતિને સારી રીતે સમજે છે.
સેહવાગે વધુમાં કહ્યું, ‘ગયા વર્ષે તેણે રાજસ્થાન રોયલ્સ માટે સારી ઇનિંગ્સ રમી છે. જ્યારે તે દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો ત્યારે પણ તેણે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી છે. તેથી તેને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવો જોઈતો હતો. તે ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે, મને લાગે છે કે તે સંજુ અને સંગાકારાની મોટી ભૂલ હતી.’